ભવાઈમાં રંગભૂષા ભવાયા સામાન્યતઃ ગામડાંમાં વધુ રમે છે . ગામડાંમાં રમતી વખતે રંગભૂષાની તેઓની પરંપરાગત રીતે જાળવી રાખે છે . રંગભૂષાના સાધનોમાં અરીસો , ઓરસિયો , કાંસાની વાટકી , મેશ બોદાર , ગુલાલ , કંકુ , શંખજીરું ,મીઠા તેલનો દીવો , મગફળીનું તેલ , મૂછ , દાઢી , જટા , ગુંદ , વાળની વીગ ( ક્યારેક ) રૂના કે કપડાંના દડા , ગળી વગેરે વાપરે છે . પરિચય મેળવીએ.....
ઓરસિયો : પથ્થરના ગોળાકાર , ખરબચડા ઓરસિયાની જરૂર બોદાર ઘસવા માટે છે . આખા મંડળ વચ્ચે એક જ ઓરસિયો હોય છે . માતાની સ્થાપના કરી હોય ત્યાં જ ઓરસિયો રાખવામાં આવે છે ત્યાં જ પાણી ભરેલું પાત્ર રાખવામાં આવે છે . પાત્રમાંથી પાણી લઈ ઓરસિયા પર બોદાર ઘસવામાં આવે છે .
વાટકી : કાંસા કે પિત્તળની વજનદાર વાટકી મેકઅપનું અગત્યનું સાધન છે . માતાની સ્થાપના વખતે ત્યાં તેલનો દીવો કરવામાં આવે છે જ્યારે મેક - અપમાં મેશની જરૂર હોય તે વખતે પિત્તળની કે કાંસાની વાટકીમાં પાણી ભરી , તેને દીવા પર ધરી ચોકખી મેશ પાડી લેવામાં આવે છે . પરંપરાગત ભવાઈ કલાકારો હજુયે આંખમાં આંજવા , શંગાર સજવા આ મેશનો જ ઉપયોગ કરે છે . જો કે હવે કેટલાંક ભવાઈ કલાકારો તૈયાર કાજલની ડબીનો ઉપયોગ કરતા થયા છે .
બોદાર : પોચા પથ્થર તરીકે મળતો આ પદાર્થ ભવાઈ કલાકારોના મુખ્ય મેક - અપનો પદાર્થ છે . તે આછા ગુલાબી રંગનો ચળકતો પદાર્થ છે . તે ઝીંકનું અગત્યનું સંયોજન છે . વળી પાણી સાથે વાપરવાથી તે ચામડી પર કશી આડઅસર - સાઈડ ઈફેક્ટ ઉભી કરતો નથી . ઊલટું , ચામડીની સુંવાળપ વધારે છે . તે ચળકતો પદાર્થ હોવાથી ઝીંક - ઝરીની જરૂર પડતી નથી . અહીં એક બાબત નોંધપાત્ર છે . સામાન્યતઃ દરેક ભવાઈ કલાકાર પોતાના આભૂષણ , કપડાં , સાધનસામગ્રી પોતાની સ્વતંત્ર જ વાપરે છે , પણ આ બોદાર , મંડળના નાયક મંડળ માટે સમૂહગત લાવે છે . તે દરેક ભવાઈ કલાકારોનો અંગત હોતો નથી . બોદારને પથ્થરના ઓરસિયા પર પાણી લઈને ઘસવામાં આવે છે જ્યારે સુંવાળી પેસ્ટ તૈયાર થાય ત્યારે તેને ચહેરા પર થપથપાવતા થપથપાવતા લગાડવામાં આવે છે જેથી તે ચામડી સાથે એકરૂપ થઈ જાય છે અને યોગ્ય રીતે ખીલે છે . જેણે સ્ત્રી - પાત્ર કરવાનું હોય તે બોદારમાં થોડો ગુલાલ નાખે છે , જેથી ખીલતો ગુલાબી રંગ મળે છે . પુરુષ — પાત્ર કરતો કલાકાર ગુલાલ નાખ્યા વગર બોદાર વાપરે છે . બોદાર સમીસાંજે લગાવ્યો હોય તો પણ સવાર સુધી બીજી વાર મેક - અપની જરૂર પડતી નથી . ઊલટું , સમય જતાં જતાં બોદાર ખીલે છે .
કંકુ : હોઠ રંગવા માટે , કપાળમાં ચાંદલો કરવા માટે તેમ જ હાથપગનાં તળિયા પર લાલી બતાવવા માટે કંકુનો ઉપયોગ થાય છે .
ગુલાલ : જ્યાં વધારે ગુલાબી રંગ ખીલાવવા હોય ત્યાં પાણીમાં આછો ગુલાલ લસોટી , તેનાથી મેક - અપ કરી , તેના પર બોદારનો થર કરવાથી ગુલાબી ઝાંય મળે છે . સ્ત્રી પાત્ર લેતા કલાકારો બોદારમાં ગુલાલ નાખી ગાલ પર લાલી લાવે છે .
શંખજીરું : અમુક પાત્રોએ જ્યાં વૃદ્ધત્વ કે વિશેષ ભાવ દર્શાવવાના હોય ત્યાં ચહેરા કે શરીર પર સફેદ લીટીઓ - રેખાઓ તાણવાની જરૂર હોય ત્યાં શંખજીરું પાણીમાં ધોળાને ઉપયોગમાં લેવાય છે . અતિવૃદ્ધવ દર્શાવવા વાળ , મૂછને શંખજીરુંથી રંગાય છે .
મેશઃ પાત્રની વધુ ઉંમર , વાર્ધક્ય દર્શાવવાનું પ્રતિનાયક ( વિલન ) નો ખંધો કે શયતાની ભાવ દર્શાવવા , રાક્ષસોનો મેક - અપ દર્શાવવા તેમ જ ડાગલા જ્વા પાત્રની હાસ્યસભર મુખાકૃતિ દર્શાવવા ચહેરાની રંગભૂષામાં મેશ વાપરવામાં આવે છે .
ગળી : મેશના ઉપયોગની જેમ વાધય , ખંધાઈ , લુચ્ચાઈ , શયતાનિયત જેવા ભાવો દર્શાવવા મેક - અપમાં ગળીનો ઉપયોગ થાય છે તો કયારેક ગળીમાં શંખજીરું ઉમેરી તેનો ઉપયોગ કરવામાં આવે છે .
મીઠું તેલ ઃ મેક અપ ઉતારવા માટે મીઠા તેલ કે મગફળીના તેલનો ઉપયોગ થાય છે
. મૂછ , દાઢી , જટા , વાળની વીગ ,નારીપાત્ર:
પાત્રની જરૂરિયાત પ્રમાણે બનાવટી મૂછ – દાઢી વાપરવામાં આવે છે . દા . ત . કાયદેસરના પાત્રમાં , રાવણના પાત્રમાં , ઝંડાના પાત્રમાં કલાકાર મૂછ વાપરે છે . વળી ઋષિઓના પાત્રમાં , મુસ્લિમ પાત્રોમાં – દા . ત . ઝંડી , છેલબટાઉ , જૂઠણ , મિયાંના પાત્રમાં દાઢીનો ઉપયોગ કરે છે . સાધુ ( બાવાનો વેશ ) , વિશ્વામિત્ર ( હરિશ્ચંદ્રનો વેશ ) , જસમા ઓડણમાં ઋષિ , રાવણ સીતાહરણ કરતી વખતે સાધુના વેશમાં જટાનો ઉપયોગ કરે છે . સાધનસંપન્ન કલાકારો પાત્ર પ્રમાણે વીગનો ઉપયોગ કરે છે . ખાસ કરીને નારદના પાત્રમાં ઊંચી ચોટલીવાળી વીગનો ઉપયોગ કરાય છે .
ભવાઈમાં પુરૂષ - પાત્રો જ સ્ત્રી - પાત્રોનો રોલ કરે છે . સ્ત્રી – પાત્ર કરનાર કલાકારને કાંચળિયા કહેવાય છે . કાંચળિયા કાંચલીમાં – બ્રેસિયર્સમાં કપડાંના કે રૂના બૉલ ભરાવી તેના પર બ્લાઉઝ કે પાત્ર પ્રમાણેના પરિધાન આધુનિકતાની અસર તળે ધણા ભવાઈ કલાકારો તૈયાર મેક - અપ વ્હાઈટનિંગ , લાલી , કાજળ , નખ રંગવાના રંગ , ચાંદલાના તૈયાર સ્ટિકર્સ વાપરે છે , પણ ભવાઈ કલાકાર અને ખાસ કરીને આગળ પડતા કાંચળિયાનો અગત્યનો મેક - અપ તેનું લાલિત્ય અને લાવણ્ય છે . હજુયે એવા સ્ત્રી – પાત્ર કરનાર ભવાઈ કલાકારો છે કે તેને સ્ત્રી - પાત્રમાં જોઈને તેના લાવણ્યથી ભવાયાની પરકાયાપ્રવેશની સિદ્ધિની ઝાંખી થાય છે .
સંકલન- પૈજા તુષારભાઈ(વ્યાસ)
મોરબી,ગુજરાત
8780202694