શનિવાર, 29 મે, 2021

નકલમાં ય ખુમારી ! અને અસલમાં ખુવારી

 ભવાઇ કલાકારો જુદી જુદી જાતના વેષ લઈને નાટકો કરતા હોય છે અને લોકરંજન કરીને પાઈ - પૈસો કમાતા હોય છે . આ જ એમની રોજી - રોટી ! અહીં એવા અદ્ભુત ભવાયાની સત્ય ઘટના છે , જેને વાંચતાં તમે અચંબામાં પડી જશો . આ ભવાયાએ નકલી વેષ લઈને ય વેષના અસલી સ્વરૂપને પ્રગટ કર્યું અને પોતાનું જીવન ખતમ કરી નાખ્યું ! જો નકલમાં આટલી ખુમારી પ્રજવળી શકે તો પોતાને ‘ અસલ ' કહેવડાવતા માણસોની ખુમારી તો કેવી હોય ? પણ અફસોસ ! એ અસલોની ખુમારીની તો ખુવારી જ થઈ ગઈ છે , ત્યાં શું થાય ! ] એક હતું નાનકડું ગામ . ગુલાબસિંહ બાપુ , એ ગામના ઠાકોર . નાનકડા ગામની ભોળી પ્રજાને મનોરંજન માટે બાપુ ક્યારેક કોઈ નાટક મંડળીને બોલાવતાં , તો ક્યારેક વળી ભવાયાઓને બોલાવતાં . એક દિ ' ભવાયાઓની એક ટોળી બાપુના ગામે આવી . રાત્રે ભવાઈનો કાર્યક્રમ ગોઠવાયો . ભવાયાઓના મુખીએ બાપુને આગ્રહપૂર્વક કહ્યું કે , “ આપે ભવાઈ જોવા આવવું પડશે . ” આમંત્રણનો સ્વીકાર કરીને બાપુ સમયસર રાત્રે હાજર થઈ ગયા .

રાત જામતી ગઈ . ગામના વિશાળ ચોરામાં ભેગી થયેલી જંગી માનવમેદની સમક્ષ એકેકથી ચડે તેવાં વેષ લઈને ભવાઈ ભજવાવા લાગી . ઘણી જાતના વેષ મુખીએ ભજવ્યા . બાપુ તો ખુશખુશાલ થઈ ગયા . મુખી જઈને બાપુના પગમાં પડ્યો . તે વખતે બાપુએ તેને કહ્યું , “ તેં ઘણા વેશ ભજવ્યા , પણ હવે સિંહનો વેષ ભજવ . મારે એ ભવાઈ ખાસ જોવી છે . ” બાપુને સલામ કરીને મુખી નેપથ્યમાં ચાલી ગયો . થોડી વારમાં જ આબેહૂબ સિંહ બનીને ગર્જના કરતો , પૂંછડી પછાડતો અને માથું ધુણાવતો મંચ ઉપર આવીને વચ્ચોવચ્ચ બેસી ગયો . ચારે બાજુ આંખો ઘમાવવા લાગ્યો . ક્ષણભર તો પ્રેક્ષકો ગભરાઈ ગયા . નાનાં બાળકો અને સ્ત્રીઓએ ચીસ નાંખી દીધી , પણ પછી સહુ સ્વસ્થ બનીને તે સિંહને જોવા લાગ્યાં . એ વખતે સિંહની નજીકમાં જ બાપુનો એકનો એક લાડકવાયો બાર વર્ષનો દીકરો બેઠો હતો . તેને કુતુહૂલ જાગ્યું અને સિંહની પાસે જઈને તેની પૂંછડી ખેંચી . અને ... ભયંકર બનાવ બની ગયો . એક જ ક્ષણમાં ભયંકર ગર્જના કરતાં ઊઠીને સિંહે તે બાળ તરફ ફરીને તેને પકડી લીધો અને ઊભો ને ઊભો ચીરી નાંખ્યો ! આખી સભામાં સન્નાટો બોલાઈ ગયો ! હાય ! આ શું બની ગયું ? બાપુ તો અવાચકું થઈ ગયા . પણ થોડી જ વારમાં તેઓ સ્વસ્થ થઈ ગયા . ભવાયા મુખીને પછીથી ભાન આવ્યું કે પોતે સિંહના વેષમાં શું કરી બેઠો ? વિષ બદલીને બાપુની પાસે દોડી જઈને તે ખૂબ રડ્યો . માફી માંગી , અને મંડળીને વિદાય થવાની રજા માંગી . પણ બાપુ હવે વેરનો બદલો લેવા માટે એક યોજના ગોઠવી ચૂક્યા હતા . કોઈને એ ભયાનક યોજનાની ગંધ પણ ન આવી જાય એવી ઠાવકાઈ સાથે બાપુએ મુખીને કહ્યું , ‘ જે કાળે જે બનવાનું હોય તે બને જ છે . મારા પુત્રના મૃત્યુની તું જરા ય ફિકર ન કરીશ . હવે આવતીકાલે આખો દિવસ મારે ત્યાં જ તું આરામ કર . પછી આવતીકાલે રાતે ફરી એક ભવાઈ કરીને તું જજે . શેની ભવાઈ કરવી ; તે હું તને કાલે રાત્રે જ જણાવીશ . ” ભોળા મુખીએ બાપુની વાતનો સ્વીકાર કર્યો . પણ એના અંતરમાં બની ગયેલી ઘટનાએ જબ્બર આઘાત લગાવી દીધો હતો .

બીજા દિવસે રાતે બાપુએ મુખીને સતી સ્ત્રીનો પાઠ ભજવવાનું કહ્યું . નેપથ્યમાં જઈને મુખીએ પતિ સાથે ચિતામાં બળી મરવા તૈયાર થયેલી રણચંડી દેખાતી સ્ત્રીનું રૂપ લીધું અને મંચ પર આવી ગયો . આગળ મડદું લઈને ડાઘઓ ચાલે છે . રામ બોલો ભાઈ ! રામ .... સહુ તાલબદ્ધ રીતે બોલે છે . પાછળ સતી થવા નીકળેલી સ્ત્રી ચાલે છે . થોડી જ વારમાં ચંદનકાષ્ઠની ચિતા ખડકાઈ . ડબ્બા ભરીને ઘી નખાયું . ચિતા ભડભડ જલી ઊઠી . પ્રેક્ષકો ચિત્કાર પાડી ઊઠ્યા . બાપુના પેટનું પાપ હવે સહુને દેખાવા લાગ્યું પણ તે માટે પ્રેક્ષકો કાંઈક કરવા જાય ત્યાં તો મુખી ( સતી સ્ત્રીના સ્વરૂપમાં ) જલતી ચિતા ઉપર ચડી ગયો અને થોડી જ પળમાં ભડથું થઈને બળી ગયો ! સહુ રડતા હતા , પણ ત્યારે બાપુ તો મૂછમાં હસતા હતા .

    કારણ કે  એક ભવાઇ કલાકાર પોતાની કલા માં કેટલો ઓતપ્રોત થઇ જાય છે તેનું પ્રમાણ બાપુ એ જાતે મેળવ્યું,

      કલાકાર કલા ની ખુમારી માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરતા પણ ખચકાતો નથી પછી પાત્ર કોઇપણ હોય,

                     કલાકાર માં કેટલા પ્રકારની કલા સમાયેલી છે તેના અનેક પ્રત્યક્ષ પુરાવા ઓ જાણવા મળ્યા, જે કલાકાર કલા માં હસાવી શકે એજ કલાકાર ચોધાર આસું એ રડાવી પણ શકે,

       જે કલાકાર કલા ખાતર પ્રાણ આપી શકે તે કલા ની ખુમારી ખાતર અને જાહેર જનતા ના હિત માટે પ્રાણ લઇ પણ શકે આવી કલા અને કલાકાર નિહાળી ને બાપુ  ખુબ વિષ્મય પામ્યા .

લેખક- પંડિત ચંદ્રશેખર વિજયજી



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

અતુલ્ય વારસો

 તા. 4.12.2025 ગુરુવાર