"ખાખરાળાનો વીર નાગાજણ ડાંગર"
- પ્રાણજીવન કાલરિયા.
કથાનક ક્રમાંક - ૧૩
"મચ્છુ કાંઠો ને મોરબી, હળવદને હાલાર
ડાંગર પાકે પેટમાં, ખેતમાં બાજરો જુવાર,"
આગળના કથાનકમાં આપણે ખાખરાળાના હમીર ડાંગર વિશે વાત કરી હતી. આ જ ગામમાં ડાંગર શાખમાં જ બીજો વીર નાગાજણ થઇ ગયો.
નાગાજણ ડાંગર હમીર કરતાં ઉમરમાં પચીસ વર્ષ નાનો પણ ગામમાં નાની વયે હમીરની શૂરવીરતા સાંભળેલી છે. મોરબીમાં રવોજી ઠાકોર પછી હાલ પાચાણજી ઠાકોર ગાદી પર બિરાજમાન છે.
હાલ ખાખરાળા ગામ પાસેથી પસાર થતો ડામર રોડ કે રેલ્વે લાઇન ત્યારે ન હતી. એ ભાગ ત્યારે ગામની પછવાડેનો ભાગ હતો. ગામનો દરવાજો, તળાવ, પાધર, ખરાવાડ ઉગમણી દિશામાં હતું. પાદરમાથી નીકળી સ્મશાન પાસેથી મોરબીનો ગાડા મારગ નીકળતો. પાધરમાં જ રસ્તાની બાજુમાં નાગાજણ ડાંગરના ખેતરમાં બાજરો તૈયાર થઇ ગયો છે. નાગાજણ બાજરો કેટલો થશે તેનો અંદાજ લગાવી રહ્યો છે, ત્યાં મારગ પાસે કોઇ ઘોડેસ્વાર ઘોડા પર બેઠા બેઠા જ ખેતરમાં ભેલાણ કરતો દેખાય છે. ગામમાં પચાસેક ઘોડા છે, પણ ગામનો કોઇ ઘોડેસ્વાર આમ પારકા ખેતરમાં ન પેસે. કોણ હશે માથાફરેલ ? નાગાજણ નજીક જઇને પડકારો કરે છે. પણ ઘોડેસ્વાર ગાંઠતો નથી.
મોરબીના રાજા પાચાણજી ઠાકોરના ઘરવાળાને લઇને વઢિયારા બળદ જોડેલુ વેલડું માળિયા બાજુથી પરત ફરી મોરબી તરફ આગળ વધી રહ્યું છે. ત્રણ ઘોડેસ્વાર વેલડાની સાથે આગળ જતાં દેખાણાં. આ ચોથો ઘોડેસ્વાર મોતી જેવાં દાણાવાળો બાજરો ઘોડાને ચરાવવા ઘોડાના મોઢામાંથી ચોકઠું કાઢી રાજના સૈનિક હોવાથી ડર વગર ખેતરમાં પેઠો છે. સમજાવવા છતાં રાજાનો સિપાઈ સમજતો નથી, ઉલટો નાગાજણને ખખડાવે છે. નાગાજણ તલવાર ખેંચી ફરીથી પડકારે છે. બંનેની વડછડ જોઈ આગળ જતાં સિપાહીઓ પણ પાછા ફરે છે. નાગાજણની તલવાર લપકારા કરતી ખેતરમાં ભેલાણ કરતાં સિપાહીને કાપી નાખે છે. પાછા ફરેલા ત્રણે સિપાહીઓ લોહી બંબોળ તલવાર લઇ ઉભેલા ખેડૂતને જોઈ બે ઘડી હેબતાઈ જાય છે. ખેડૂતને એકલો જોઇ ત્રણે સિપાહી તુટી પડે છે. પણ નાગાજણ એકલો ત્રણેને ભારે પડે છે. બીજા એક સિપાહીને પણ સુવડાવી દે છે. બાકી બચેલા બંને સિપાહીના શરીર પર પણ ઠેકઠેકાણે ઘા પડ્યાં છે. બંને સાનમાં ઇશારો કરી વેલડાની પાછળ ભાગે છે.
મોરબી પાચાણજી ઠાકોરને ખબર પડતાં કાળઝાળ થઇ નાગાજણને જીવતો કે મરેલો હાજર કરવા હુકમ કરે છે.
આ બાજુ નાગાજણ બે સિપાહીઓને મારીને આવનારા પરિણામ વિશે વિચાર કરે છે. રાજાની ફોજ સામે એકલા લડવાથી મોત નક્કી જ છે. તેમ વિચારી બહારવટું કરવાનો નિશ્ચય કરી ઘેર આવે છે. ગામમાં ઉહાપોહ થાય તે પહેલાં હથિયાર બાંધી ઘોડો લઇ ગામ બહાર નીકળી જાય છે.
સમી સાંજે મોરબીનો અમલદાર ગામના ચોરે આવી પોલીસ પટેલને બોલાવી નાગાજણને હાજર કરવા હુકમ કરે છે. ઘરે તપાસ કરે છે, પણ ક્યાંય નાગાજણના સગડ મળતાં નથી.
આજુબાજુના ગામોમાં બહારવટે ચડેલા નાગાજણના નામની ફેં ફાટે છે. નાગાજણ હાથમાં આવતો નથી. સાંજ પડે સીમમાં સન્નાટો પથરાઇ જાય છે. આ તકનો લાભ લઇ માળિયાના મિયાણા સીમમાં ચોરી ચપાટી કરવા માંડે છે. ચોરીનું આળ નાગાજણ પર આવે છે. મિયાણા રાતે ઉભો પાક વાઢી જાય છે. ગાડા ભરી કપાસ વીણી જાય છે.
છએક માસ વીતી ગયેલ છે. ગામ યાદ આવતા નાગાજણ એક રાતે ખાખરાળા આવી રહ્યો છે. ત્યાં ખાખરાળાની સીમમાં મુખીના ખેતરમાં પંદરેક જણ કપાસ વીણતાં દેખાય છે. મિયાણા ચોરી કરે છે તે સમજતાં નાગાજણને વાર ન લાગી. કંઈક વિચારી ને નાગાજણ ઘોડા પરથી ઉતરી લપાતો છૂપાતો ગાડા પાસે આવે છે. મિયાણા ફાટ બાંધીને કપાસ વીણે છે. ફાટ ભરાય એટલે ગાડામાં જઇ ખાલી કરી ફરી વીણવા જાય છે.
નાગાજણ ઉઘાડી તલવારે ગાડા પાસે સંતાઇને ઉભો છે. ફાંટ ખાલી કરવા આવે તેનું માથું એક જ ઝાટકે વાઢી નાખી બીજાની રાહ જુવે છે. એક પછી એક સોળ માથા વાઢીને ગાડામાં નાખી ગાડું હાંકીને ખાખરાળાના પાધરમાં પહોંચે છે. મુખી અને ગામના લોકોને બધી હકીકત જણાવી સોળ મિયાણાની લાશો ગામને સોંપી વંટોળિયાની જેમ સીમ તરફ રવાના થાય છે. ઇ.સ. ૧૭૬૯ નો આ બનાવ છે.
ગામના આગેવાનો લાશો ભરેલું ગાડું લઇ મોરબી આવે છે. બધી સત્ય હકિકત જાણીને પંચાણજી નાગાજણનું બહારવટું પાર પાડે છે. નાગાજણને સભામાં બોલાવી પાઘડી બાંધી તલવાર ભેટ આપી સન્માન કરે છે.
"મરશું રણ મેદાનમાં, ઝુકશે નહીં આ શીશ.
બોરીચા ડાંગર શાખના, રહેતા મચ્છુને તીર." ખાખરાળામાં ડાંગર અટક ધરાવતા બોરીચાઓ હમીર અને નાગાજણ ડાંગરના વંશજો છે.
હવે પછી "ચાચાપરનો વીર નાગાજણ જીલરિયો"
પ્રાણજીવન કાલરિયા. ૨.૧૨.૨૨
સંદર્ભ :- બોરીચા બાવન શાખ - ગુલાબદાન બારોટ
(દુહા મારા સ્વરચિત છે.)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો