ભવાઈ દુનિયાના દિગજ્જ કલાકાર---
જયશંકર 'સુંદરી' : જેમનાં સ્ત્રીપાત્રો જોઈને મુંબઈની ગુજરાતણોએ પહેરવા-ઓઢવાની સ્ટાઈલ
શરીરનાં અંગ પ્રત્યંગમાં મધુર ઝણઝણાટી પેદા થઈ ચાલી ગઈ. ઘડીભર મને એમ થયું કે હું પુરુષ નથી જ... નથી જ. સ્ત્રી થતાં મને સહજ સંકોચ શરૂઆતમાં થયો હતો. હવે એમ જ લાગ્યું કે હું સ્ત્રી જ છું. આ અવાંતર પ્રકિયાએ જ મને... મારામાં રહેલા નટને સાકાર થવામાં યારી આપી છે."
જયશંકર સુંદરીએ આત્મકથામાં આ વાત આલેખી છે.
નાટકોમાં એક લાંબો દૌર રહ્યો છે જ્યારે સ્ત્રીના પાત્ર પુરુષ ભજવતા હતા. ગુજરાતી, મરાઠી સહિતની ભાષામાં આવો તબક્કો હતો. એ વખતે મહિલાઓ નાટકમાં ભાગ લઈ શકતી નહોતી. શૃંગાર, સાડી, ચૂડી, ચાંદલા સાથે એ પાત્રો પુરુષો ભજવતા હતા.
જયશંકર 'સુંદરી' ગુજરાતી રંગભૂમિનું આવું જ એક નામ છે. વીસનગરના વતની જયશંકર ભોજકે મુંબઈમાં રજૂ થયેલા નાટક ‘સૌભાગ્યસુંદરી’માં નાયિકાનો રોલ ભજવ્યો અને એવો દિલડોલ ભજવ્યો કે ત્યારથી તેઓ જયશંકર 'સુંદરી' કહેવાયા.
એ પછી ઉત્તરોત્તર તેમણે વિવિધ મહિલાપાત્રો ભજવીને નાટકોની દુનિયામાં પોતાનું નામ જાણીતું કરી દીધું.
જયશંકર નાટ્યવર્તુળમાં જયભાઈ તરીકે ઓળખાતા હતા. મુંબઈનું છત્રપતિ શિવાજી ટર્મિનસ, જે એ સમયે વિક્ટોરિયા ટર્મિનસ તરીકે ઓળખાતું હતું તેની સામે આવેલા ગેઈટી નાટ્યગૃહમાં 19-10-1901ના રોજ સૌભાગ્યસુંદરી નાટક બહાર પડ્યું.
પહેલા શો વખતનું વર્ણન કરતાં સુંદરી ઉર્ફે જયશંકર લખે છે, "મારા માથેથી સાડીનો છેડો વારંવાર સરકી જતો હતો, તેથી મને અભિનય કરવામાં ખૂબ જ મૂંઝવણ થતી હતી.
પાત્રની લાક્ષણિકતા પ્રગટ કરવા માથે ઓઢવું જરૂરી હતું. આથી હું ઓઢવામાં ધ્યાન આપું કે બોલવામાં ધ્યાન આપું એવી દ્વિધામાં મુકાઈ જતો હતો."
સૌભાગ્યસુંદરીનાં અડધોઅડધ ગીતો સુંદરીને ભાગે આવ્યા હતા. એ વખતે કલાકારો જાતે જ મંચ પર ગીત રજૂ કરતા હતા. નાખી
જયશંકરની તાલીમ કલકતાના ઉર્દૂ રંગમંચની હતી અને મુંબઈ ગુજરાતી મંડળીના નાટકમાં તેમણે જે સૌભાગ્યસુંદરીની ભૂમિકા ભજવી તેનું પોત ગુજરાતી હતું.
તેમણે ભજવેલી સુંદરીની ભૂમિકા પર તો દર્શકો ઓવારી ગયા હતા પણ તેમને એવું લાગતું હતું કે સુંદરીને હજી થોડી વધુ જીવંત બનાવું. જેમાં 'સરસ્વતીચંદ્ર' નવલકથા તેમને મદદરૂપ થઈ.
એ નવલકથાના ચારેચાર ભાગ તેમણે સાત-સાત વખત વાંચ્યા હતા. જેમાંના કુમુદસુંદરી, કુસુમ, ગુણસુંદરી, મેનારાણી વગેરે પાત્રોએ તેમના પર ભારે અસર કરી હતી.
તેઓ લખે છે કે, "એ સ્ત્રી પાત્રોએ મારા મન ઉપર ભારે અસર કરી. તેમના નારિત્વની મારા ઉપર ઘેરી છાપ પડી. ગુજરાતની જે નારીની શોધમાં હું હતો તેનાં અહીં દર્શન થતાં હું તો અલૌકિક સૃષ્ટિમાં વિહરવા લાગ્યો. મને સમજાયું કે હું જે સુંદરીની શોધમાં છું. તે તો આ નવલકથાના પાને પાને આલેખાયેલી છે."
સૌભાગ્યસુંદરી નાટકે મુંબઈની ગુજરાતી મહિલાઓને ઘેલું લગાડ્યું હતું. કોઈ પુરુષ, સ્ત્રીનું પાત્ર ભજવે અને સ્ત્રીઓ તેનું અનુકરણ કરવા માંડે એ વાત જ દર્શાવે છે કે જયશંકરે સ્ત્રીના મનોભાવો અને હાલચાલને કઈ ખૂબીથી પોતાનામાં ઝીલ્યા હશે.
એ વખતે રંગભૂમિ ત્રૈમાસિક સામયિકના પહેલા વર્ષના પહેલા જ અંકમાં પાના નં. 81 પર જે લખાયું હતું તે જયશંકરે સ્ત્રીના કિરદારમાં કરેલા પરકાયા પ્રવેશની પારાશીશી દર્શાવે છે.
સુંદરીનાં ઓવારણાં લેતા લખ્યું હતું કે, "તે સમયે સુંદરી ઉપર આખું મુંબઈ મરી ફીટ્યું. સુંદરીએ મુંબઈની સ્ત્રી આલમમાં ત્યારે ક્ષોભ ઉત્પન્ન કર્યો. બૈરીઓની ચાલવાની ઢબછબ બદલાણી. કપડાં પહેરાની સ્ટાઇલ બદલાણી, બાલ ઓળવાની ટાપટીપ બદલાણી." વગેરે.
જયશંકર જેવા પુરુષે કઈ રીતે સુંદરી તેમજ અન્ય સ્ત્રીભૂમિકાઓ આત્મસાત કરી હશે કે લોકો તેની વાહવાહી કરતા થાકતા નહોતા!
જયશંકર સુંદરીએ આત્મકથા લખી છે, 'થોડાં આંસુ, થોડાં ફૂલ'. જેમાં તેઓ લખે છે કે, "આ સફળતાની પાછળ ઈશ્વરીય કૃપા પણ ઘણીય હશે એમ માનું છું. એક ક્ષણ...જ્યારે જયશંકરે પ્રથમ પોલકાને... સ્ત્રીની બોડીસને કે ચણિયાને શરીર ઉપર લગાડ્યો. એક પુરુષ જાણે સુંદરીમાં પલટાતો હોય એમ મને લાગ્યું. પુરુષનું સ્ત્રીમાં રૂપાંતર કે અવાંતર નહીં, પરંતુ સ્ત્રીભાવોના પ્રગટીકરણ માટે કળાસ્વરૂપ ઘડવાનો પરમ પુરુષાર્થ. મેં મારામાંથી એક સુંદર નવયૌવનાને છૂટી પડતાં જોઈ જેનાં ઘાટીલાં, મદભર અંગોમાંથી યૌવન નીતરે છે. જેની છટામાં સ્ત્રીનું લાવણ્ય મહેકી રહ્યું છે. જેની આંખોમાંથી સ્ત્રી સહજ ભાવો ઊભરાયા કરે છે. જેની ચાલમાં ગુજરાતણનો ઠસ્સો પ્રગટે છે. જે પુરુષ નથી એક માત્ર સ્ત્રી જ છે... સ્ત્રી જ છે. એવી એક છબીને મેં અરિસામાં જોઈ."
જયશંકર 'સુંદરી' અને દીના ગાંધી દ્વારા દિગ્દર્શિત 'મેના ગુર્જરી' નાટકમાં મેનાને સાસરે વળાવવાનું એક દૃશ્ય (1953)
સૌભાગ્યસુંદરી પછી તરતોતરત વિક્રમચરિત્ર નાટકમાં જયશંકરે રંભા દૂધવાળીનો અને દાગે હસરત નાટકમાં ફરહાદ સામે શીરીંની ભૂમિકા ભજવી હતી.
19-10-1901ના રોજ સૌભાગ્ય સુંદરી, 12-11-1901ના રોજ વિક્રમચરિત્ર અને 16-12-1901ના રોજ દાગે હસરત નાટકોની રજૂઆત થઈ.
ઘણા મહિનાઓ સુધી આ નાટક ચાલતાં રહ્યાં અને મંડળીને ખૂબ કમાણી થઈ. તે પછી જુગલ જુગારી નામના નાટકમાં તેમણે નાયિકા લલિતાની ભૂમિકા ભજવી હતી.
જયશંકર તેમની આસપાસની સ્ત્રીના હાવભાવ અને ઢબછબ પણ ઝીલતા અને તેને અનુરૂપ નાટકમાં પાત્ર મળે તો એમાં ઉતારતા હતા. જેમ કે, લલિતાના પાત્રમાં તેમણે પોતાના પરિચિત બાબુભાઈ શેઠની જે પુત્રવધૂ થવાની હતી તે ગુલાબમાંથી પ્રેરણા મેળવી હતી.
જેના માટે તેઓ ગુલાબને મળ્યા હતા. નાટકનો શો જોયા પછી બાબુભાઈ શેઠનાં પત્ની કૃષ્ણાબહેને કહ્યું હતું કે, "આ લલિતા તો જાણે અસ્સલ આપણી ગુલાબ. એવું જ હસવું, એવું જ બોલવું અને એવાં જ વસ્ત્રોની સજાવટ કરી હતી કે હું તો ભ્રમમાં જ પડી ગઈ કે આપણી ગુલાબ રંગમંચ ઉપર ક્યાંથી આવી?"
સંગતનો રંગ (1908) નામના નાટકમાં તેમણે ચમેલી નામની ગાયિકાની ભૂમિકા ભજવી હતી. કૃષ્ણચરિત્ર નાટકમાં તેમણે રાધાની ભૂમિકા ભજવીને પ્રેમલક્ષણા ભક્તિનું સ્વરૂપ રજૂ કર્યું હતું.
1915ના 15 સપ્ટેમ્બરના રોજ પ્રથમ વાર ભજવાયેલા નાટક સ્નેહસરિતામાં તેમણે સરિતાકુમારી નામની આધુનિક વિચારસરણીની યુવતીનો રોલ ભજવ્યો હતો. સરિતા વિલાયતની મુસાફરી કરી આવી હતી અને સ્ત્રી સ્વાતંત્ર્ય માટે લડત ચલાવતી હતી. એ ભૂમિકા જયશંકર માટે સાવ અલગ પ્રકારની હતી પણ તે ચરિતાર્થ કરવામાં તેમને ઝાઝી મહેનત પડી નહોતી, કારણ એ કે તેઓ ગાંધીજીની ચળવળમાં માનતા હતા અને ધીમે ધીમે ગાંધીજીની વિચારસરણી પર તેઓ ઢળતા ગયા હતા.
એ વખતના રાજકીય પ્રવાહોથી તેઓ વાકેફ હતા. આ બાબતો તેમને સરિતાકુમારીના પાત્રની ભજવણીમાં મદદરૂપ થઈ હતી.
"જયશંકરની કલાનો એ પરાકોટી કાલ હતો. એનો સાદસંયમ, એની માર્દવભરી અદા, એની મરોડદાર ચાલ, એની સાહજિક સ્વસ્થતા, એનું અંગસૌષ્ઠવ, એના લહેકાની વિશિષ્ઠતા, એની સમયાનુસાર ચોટ મારવાની કુનેહ, પ્રેક્ષકને ઉત્કંઠિત રાખવાની શક્તિ અને એના અભિનયની સાંગોપાંગ સ્વચ્છતા માટે એણે મુંબઈ પર ભૂરકી નાંખી હતી." આ શબ્દો નાટ્યવિદ્ ચન્દ્રવદન ચી. મહેતાના છે.
જયશંકર સુંદરીના દાદા અને પરદાદા સંગીતમાં નિપુણ ગવૈયાઓ હતા. જયશંકરે લખ્યું છે કે, "મારા દાદા (ત્રિભોવનદાસ)ના સંગીતની સૂરાવલિમાં ઉછરી મારો અંતરનટ તૈયાર થતો હતો." તેમના પિતા આખ્યાનો કહેતા હતા. તેના કથાપ્રવાહની જયશંકર પર ખૂબ અસર થતી હતી.
આત્મકથામાં તેમણે નોંધ્યું છે કે, "મારા મન ઉપર કથાવાર્તાની તીવ્ર અસર થતી હતી અને લાગણીના પૂરમાં હું ઝડપથી ખેંચાઈ જતો હતો. આવું એક આખ્યાન સાંભળવાનો બનાવ મારા મોસાળમાં ઊંઢાઈ ગામમાં બન્યો હતો. રોજ વાળુપાણી પતાવ્યાં પછી મારા પિતા અમને કંઈક વાંચી સંભળાવતા. તે ચાંદની રાતે પિતા દીવીના અજવાળે મહાકવિ પ્રેમાનંદકૃત 'નળાખ્યાન' સંભળાવતા હતા. આખ્યાનમાં નળને દમયંતી ઉપર શંકા આવવાનો પ્રસંગ આવતાં એને છોડીને નળ ચાલ્યો જાય છે, દમયંતી વનમાં હૃદયદ્રાવક કલ્પાંત કરે છે – આ કડવાં વંચાતાં હતાં :
વૈદર્ભિ વનમાં વલવલે, ઘોર અંધારી રાત,
ભામિની ભય પામે ઘણું એકલડી રે જાત...
"આ કડવાં સાંભળી મારી ધીરજ ખૂટી ગઈ. નળ-દમયંતીનો આ પ્રસંગ મારી નજર સામે ખડો થતાં હું ચીસ પાડીને રોવા લાગ્યો. અચાનક જ ચીસભર્યા રુદનને કારણે વહેમ અને ગભરાટથી મારાં બાએ મને છાતી સરસો ચાંપી દીધો અને 'શું થયું? શું થયું, ભાઈ?' આમ પૂછવા લાગ્યાં. કડવાં સંભારી હીબકી હીબકી હું રોવા લાગ્યો. આથી બધાં ગભરાઈ ગયાં. મારા મામા, મને કંઈક કરડયું હશે એમ માની દીવાને અજવાળે ઉપરનીચે શોધવા લાગ્યા. પિતા સફાળા ઊભા થઈ મારા હાથપગ તપાસવા લાગ્યા. ઝેરી ડંખની કલ્પનાથી બાના હોશકોશ ઊડી ગયા. આમ રંગમાં ભંગ પડયો. અંતે મારો ડૂમો બેસતાં હું શાંત થયો. ત્યાર પછી મેં જણાવ્યું કે, કશું કરડયું નથી; એ તો નળરાજાએ દમયંતીને છોડી દીધી એના દુઃખથી હું રોતો હતો!"
આમ નાટકો પ્રત્યે તેમનો પીંડ ઘડાયો તેમાં પરિવારની પરંપરા કારણભૂત હતી. જોકે, પરિવારની પરંપરા ભલે કારણભૂત હોય પણ પરિવાર જયશંકરના નાટક પ્રત્યેના ખેંચાણથી ખુશ નહોતો. તેમણે જ્યારે નાટકમાં જવાનો પ્રસ્તાવ પ્રથમ વખત કુટુંબ સમક્ષ મૂક્યો ત્યારે તેનો વિરોધ થયો હતો.
જયશંકર સુંદરીને ક્યારેય નિશાળમાં જઈને ભણવું ગમતું નહોતું. તેમને નિશાળ કેદખાના જેવી લાગતી હતી. ઘરેથી નિશાળે જવાનું કહીને ગામના તળાવના ગરનાળે છુપાઈ રહેતા હતા. પાસેના મંદિરમાં અવારનવાર ઊતરતા રહેતા બાવાઓની સ્નાન, પૂજા દિનચર્યા તેઓ નિહાળતા રહેતા અને ખાસ તો તેઓ જ્યારે રામાયણ વાંચતા ત્યારે ખૂબ રસપૂર્વક તે સાંભળતા હતા.
કથાવાર્તા સાંભવામાં તેમને ખૂબ રસ પડતો. તેથી આ ઘટનાઓ પણ તેમના નાટક તરફના ચુંબકત્વમાં કારણભૂત બની હતી.
ઘરમાં સંગીતની પરંપરા, પિતા તેમજ મંદિરનાં બાવાઓનાં આખ્યાન-કથાશ્રવણ વગેરેનો માહોલ જ એવો રચાયો હતો કે જયશંકર નાટકના રંગે રંગાય એ કોઈ આશ્ચર્યની ઘટના ન હોતી.
આત્મકથામાં તેઓ લખે છે કે, "અમારા ગોવિંદ ચકલાના ચોકમાં ભવાઈ થતી ત્યાં પણ જતો હતો. અને ગામમાં રામલીલા આવે ત્યારે તો મારા આનંદનો પાર રહેતો ન હતો. રામલીલાના પડદા પરનાં મહેલો, જંગલો, પર્વતો, નદીઓ અને બીજાં અનેક પ્રાકૃતિક દૃશ્યો ઉપરાંત વિવિધ વેશપરિધાન કરી આવેલાં રાજા, રાણી, રાજકુંવર, રાજકુંવરી આ બધાં મને સાચાં લાગતાં હતાં. બીજા કોઈએ એનો સ્વાંગ લીધો છે એમ લાગતું ન હતું."
"શાળામાં બેઠો હોઉં ત્યારે વાજતેગાજતે રાત્રે ભજવવાના નાટકની જાહેરાત માટે ફરતા વિદૂષકને જોઈ મને કંઈ ને કંઈ થઈ જતું. પાણી પીવા જવાનું બહાનું કાઢી શાળામાંથી છટકી જતો. વિદૂષક પાછળ ગામમાં રખડતો અને રામલીલાના માંડવા સામે આસન જમાવતો. એમની રાતની તૈયારી જોવામાં નિશાળ, ઘર, ભૂખ- તરસ બધું ભૂલી જતો. અને ક્યારે રાત પડે અને ખેલ જોવા મળે એની ઉત્સુકતામાં દિવસ ઝડપથી પસાર થઈ જતો."
જયશંકર નવ વર્ષની કાચી વયે દાદાભાઈ રતનજી ઠૂંઠી નામના પારસીના ઠઠનિયા થિયેટરની પારસી નાટકમંડળીમાં જોડાવા કલકત્તા ગયા હતા. હિંદી અને ઉર્દૂ ભાષામાં નાટકો કરતાં શીખ્યા હતા. તેઓ બત્રીસ મહિના રહ્યા હતા. તાલીમ દરમ્યાન માર પણ ખૂબ ખાધો હતો.
તેમણે આત્મકથામાં નોંધ્યું છે કે, "કેમ જાણે શિક્ષણ આપવાનો આ જ એકમાત્ર પ્રકાર ન હોય? તેટલી હદ સુધી મારનો ઉપયોગ થતો."
કલકત્તાના તેમના નિવાસ દરમ્યાન બધા જ જૂનાં નાટકોમાં સાહેલીઓનાં પાત્રમાં જયશંકર અને તેની સાથે કલકતા આવેલા અન્ય છોકરાઓને તૈયાર કરવામાં આવ્યા હતા. દાદાભાઈ રતનજી ઠૂંઠી જયશંકરને ભૂમિકા શીખવવામાં ખૂબ લક્ષ આપતા હતા.
જયશંકર લખે છે, "શરૂ શરૂમાં નાનીનાની નટીઓની ભૂમિકાઓ મેં ભજવી હતી. કોઈ વખાણ કે શાબાશી આપતું જ નહીં, પણ માર ન પડે તો સમજવું કે ભૂમિકા સારી ગઈ છે."
નજીવી ભૂલ માટે નેતરની સોટી હાથ, પગ કે વાંસા પર પડતી ત્યારે બાળક જયશંકરને ઘર યાદ આવી જતું. તેમને એવું પણ થતું કે જો કલકતાથી રેલવેના પાટેપાટે જતો રહું તો મહિને બે મહિને વીસનગર પહોંચી જાઉં. જોકે, એવું તેમણે ક્યારેય કર્યું નહીં.
નાટકમંડળીમાં તાલીમી નિયમોનું કડક પાલન થતું હતું અને તાલીમમાં કોઈ ગેરહાજર રહે તો પગાર કાપી લેવામાં આવતો હતો. જયશંકરના ડિરેક્ટર નાટક કરતાં પણ તાલીમને વધુ મહત્ત્વ આપતા હતા.
પ્રારંભિક તાલીમ પછી દાદાભાઈએ જયશંકરને ગુલઝરીના નામના નાટકમાં ઝરીનાની ભૂમિકા આપી હતી. પછી સિતમગર નામના નાટકમાં સિતમગરની પત્ની નૂરઆલમની ભૂમિકા તેમણે ભજવી હતી.
તેઓ લખે છે, "કલકતાના રંગમંચ ઉપર મેં નવ વર્ષની ઉંમરે અભિનય આપવાની શરૂઆત કરી. જેમાં મોટા ભાગની મહિલાઓની જ હતી." મહિલાઓના કિરદાર તેમણે એ હદે ઝીલી લીધા હતા કે પછી એક વખત પુરુષ પાત્ર ભજવવાનું આવ્યું તો જયશંકરને ફાવ્યું નહોતું.
જયશંકર આત્મકથામાં નોંધે છે, "હામાન નાટકમાં મુઝફ્ફરનો પુરુષપાઠ એક વાર લીધો, પરંતુ પુરુષની ચાલ સ્ટેજ ઉપર મને આવડી જ નહિ. પરિણામે લોકો હસી પડેલા."
એ સમયગાળામાં આધુનિક પ્રસાધનો હતાં નહીં, કલાકારોને કેવાં પ્રસાધનોથી મેકએપ થતો, રંગમંચ પર અને પ્રેક્ષકગૃહમાં લાઇટની શું વ્યવસ્થા હતી? નાટકના સેટ કેવા હતા?
લોકપ્રિય નાટકો જોવા રાજા-રજવાડાં આવતા તેમજ તેમના રાજમહેલમાં નાટક ભજવાતાં. નાટકની વિવિધ મંડળીઓ હતી અને એ મંડળીઓ કરાંચી, રાજકોટ વગેરે શહેરોમાં નાટકો ભજવવા જતી.
નાટકની મંડળીઓના નટનટી અને લેખક વગેરે માળાના મણકાની જેમ સંકળાયેલા હતા. નાટકમંડળી પોતાના પેઇન્ટર્સ રાખતી હતી. જે નાટકનાં વિવિધ દૃશ્યોનાં ચિત્રો તૈયાર કરતા હતા. એ સમયમાં મુંબઈ અને અમદાવાદમાં ચાલતી નાટ્યપ્રવૃત્તિ અને શરૂ થયા નવા નવા નાટ્યમંડળોના વિકાસની વાતો અને ખટપટ જાણવી માણવી હોય તો પણ જયશંકર સુંદરીની આત્મકથામાંથી પસાર થવું પડે.
જયશંકર સુંદરીને 'સરસ્વતીચંદ્ર'ની કુમુદની ભૂમિકા ભજવાની પણ ખૂબ ઈચ્છા હતી. તેમની નાટક મંડળીવાળાએ એ નવલકથાના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીને સરસ્વતીચંદ્રનું નાટ્યરૂપાંતર કરી આપવા કહ્યું હતું. તેમણે નાટ્યરૂપાંતરનો પહેલો અંક પણ મોકલી આપ્યો હતો. જોકે, તેમની મંડળીવાળાઓને લાગ્યું કે નાટક મુંબઈની પ્રજાને ગમશે નહીં અને પછી નાટક આગળ ન વધી શક્યું.
સૌભાગ્ય સુંદરીની ભૂમિકાને વધુ જીવંત બનાવવા જયશંકરે સરસ્વતીચંદ્ર ઉપરાંત મહાન નાટ્યકાર શેક્સપિયરના નાટક ઓથેલોના મહિલા પાત્ર ડેસ્ડીમોના અને ભવભૂતિરચિત સંસ્કૃત કાવ્ય માલતીમાધવની માલતીનો અભ્યાસ પણ કર્યો હતો.
માહિતી(BBB News Gujarati)દ્વારા મેળવેલ