રંગમંચ પર હર પાત્રને લાયક છીએ અમે,
ગીત મધુરાં લલકારતા ગાયક છીએ અમે.
પાટીદારની પત રાખવા વટલાયા હતા અમે,
એ ગૌરવવંતા ઇતિહાસના વાહક છીએ અમે.
આદિ અનાદિથી ઉપાસક આદ્યશક્તિના રહ્યા,
માં બહુચર અને અંબાના સાધક છીએ અમે.
ચૂડી,ચાંદલોને ભુંગળ ઓળખ અમારી નોખી,
દુનિયાને દર્પણ ધરનારા વ્યાપક છીએ અમે.
ભક્તિ અને જ્ઞાન પચાવી જાણ્યું છે એટલે,
સંસ્કૃતિ નિર્માણના સાચાં પ્રચારક છીએ અમે.
ભાવ ભોજકનો છે વેદ વિદ્વતા વ્યાસની છે,
તેથી દરેક ચરિત્ર તણા પ્રભાવક છીએ અમે.
અક્ષર કહે ઔદિચ્ય ગોત્રને છઠ્ઠા પદના ધણી,
અસાઈત ઠાકરના વંશજ નાયક છીએ અમે.
- દિનેશ નાયક "અક્ષર"
સરડોઈ